BCCIએ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સિઝન માટે 2 સ્થળોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. તમામ મેચ બરોડા અને લખનઉમાં 5 ટીમો વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટ 6 અથવા 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. બીજા તબક્કાની મેચો બરોડામાં યોજાશે, જેમાં ક્વોલિફાયર અને ફાઈનલનો પણ સમાવેશ થાય છે.
ટુર્નામેન્ટનું સત્તાવાર શિડ્યુલ હજુ જાહેર થયું નથી. જોકે, બોર્ડે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) અને બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ને તેમના મેદાન પર મેચ યોજવા માટે જાણ કરી છે. કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થોડા દિવસોમાં કરવામાં આવશે.
બરોડામાં કોટંબી સ્ટેડિયમ છે, જેનું ઉદ્ઘાટન ગયા મહિને જ થયું હતું. અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાઈ હતી. અહીં 3 વનડે રમાઈ હતી. આ સ્ટેડિયમમાં વરિષ્ઠ મહિલા T-20 ટૂર્નામેન્ટ અને રણજી ટ્રોફીની મેચો પણ યોજાઈ ચૂકી છે.
સ્ટેડિયમમાં ફ્લડ લાઇટ લગાવવામાં આવી છે. 9 જાન્યુઆરીથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીની નોકઆઉટ મેચો અહીં યોજાશે, તેમાં આ લાઇટ્સનું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે.