રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સીટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા ત્રણ વર્ષ બાદ આજથી ફરીવાર ફનસ્ટ્રીટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ શહેરના રેસકોર્સ ખાતે બાળકોથી લઈ મોટેરા સુધીના અંદાજે ત્રણેક હજાર લોકોએ લીંબુ ચમચી, કોથળા દોડ સહિતની જૂની વિસરાયેલી 40 જેટલી રમતોની મજા માણી હતી. આ તકે સૌકોઈમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ચિત્રનગરી દ્વારા ત્રણેક વર્ષ પહેલાં દર રવિવારે ફનસ્ટ્રીટનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં હજારો લોકો ભાગ લેતા હતા. જોકે કોરોનાકાળ દરમિયાન ફનસ્ટ્રીટ વર્ષ-2020 બાદ ફનસ્ટ્રીટ બંધ કરાઇ હતી. ત્યારબાદ આજે પ્રથમ વખત ફનસ્ટ્રીટનું આયોજન થતા શહેરીજનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો પણ ફનસ્ટ્રીટમાં જૂની વિસરાઈ ગયેલી રમતો રમવા ઉમટી પડ્યા હતા.
આ ફનસ્ટ્રીટ દરમિયાન બાળકો કોથળા દોડ, લંગડી, જેવી રમતો રમ્યા હતા. તો યુવાનો ડાન્સ કરવાની સાથે ચેસ સહિતની રમતો રમતા જોવા મળ્યા હતા. વૃદ્ધોએ પણ લીંબુ ચમચી સહિતની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. કેટલાક યુવાનો અને વૃદ્ધો ભમરડો ફેરવતા પણ નજરે પડ્યા હતા. ફનસ્ટ્રીટ દરમિયાન રંગીલું રાજકોટ વિવિધ રમતના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. આગામી સપ્તાહથી દર રવિવારે રેસકોર્સ ખાતે ફનસ્ટ્રીટ યોજાશે.