રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર વેપારીઓને ટાર્ગેટ કરતી એક હનીટ્રેપ ગેંગે જામકંડોરણા વિસ્તારના એક આધેડ વેપારીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. એક મહિલા આરોપીએ ચેટિંગ કરીને વેપારીને મળવા બોલાવ્યા બાદ જામનગર નજીક અવાવરું જગ્યાએ લઈ ગઈ હતી, જ્યાં ગેંગના અન્ય સભ્યોએ મહિલાના સગાં તરીકે ઓળખ આપી વેપારી સાથે મારપીટ કરી અને દુષ્કર્મ કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ. 50 લાખની માંગણી કરી હતી.
જોકે આખરે રૂ. 6 લાખનું સેટલમેન્ટ કરીને આંગડિયા મારફત રકમ પડાવી લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં બે મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની મોડેસ ઓપરેન્ડીમાં માત્ર ફોર-વ્હીલર લઈને આવતા 40થી 60 વર્ષના વેપારીઓને જ ટાર્ગેટ કરવામાં આવતા હતા. આ જ ટોળકીએ અન્ય બે વેપારીઓ સાથે પણ હનીટ્રેપ આચર્યું હોવાનું સામે આવ્યું છે, જેના અલગ ગુના નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.