રાજકોટમાં સૂકું લસણ મોંઘું તો છે જ તેની સાથે સાથે લીલા લસણનો ભાવ પણ ઉંચો ગયો છે. રાજકોટ યાર્ડમાં લીલા લસણનો એક મણનો ભાવ રૂ.2300થી 2400 એ પહોંચ્યો છે. જે ગત વર્ષ કરતા 6 ગણો છે. લીલા લસણની આવક ઓછી છે અને ભાવ પણ ઉંચા છે. આની અસર આખા રાજ્યભરમાં વર્તાઈ છે. જેને કારણે અમદાવાદ, વડોદરા, સુરતના લોકો રાજકોટમાં સીધા ખેડૂતો પાસેથી જ ખરીદી કરી લે છે. ગત વર્ષે લીલા લસણના એક મણનો ભાવ રૂ.300થી 400 સુધી હતો, તો બીજી તરફ સ્થાનિક શાકભાજી કરતા અન્ય રાજ્યના શાકભાજીની આવક વધારે છે. તેમ યાર્ડના ઈન્સ્પેક્ટર કાનાભાઈ ચાવડા જણાવે છે. હાલ લગ્ન ગાળાની સિઝન હોવાને કારણે શાકભાજીના ભાવ પણ ઉંચા છે અને ડિમાન્ડ પણ વધારે છે. માર્ચ-એપ્રિલમાં કેરી અને સાકર ટેટીની આવક શરૂ થઇ જાશે. ત્યારે શાકભાજીની ડિમાન્ડમાં પણ ઘટાડો આવશે. તેમ વેપારીઓ જણાવે છે.
આ વખતે ઠંડીની સિઝનમાં વરસાદ-કરા પડ્યા. ત્યારબાદ થોડા દિવસ ઠંડી-ઝાકળ અને ગરમી એમ મિશ્ર ઋતુ જોવા મળી. આમ જે રીતની ઠંડી મળવી જોઈએ તે મળી નહિ જેને કારણે લીલા લસણના પાક-વાવેતરને વાતાવરણ અનુકૂળ આવ્યું નથી. તેથી ઉતારો ઓછો આવ્યો છે. આવક ઓછી છે સામે ડિમાન્ડ વધારે છે તેથી ભાવમાં ઉછાળો આવ્યો છે. આજથી 3 વર્ષ પહેલાં લસણનો એક મણનો ભાવ રેકોર્ડબ્રેક રૂ.3000 એ પહોંચ્યો હતો. જ્યારે સૂકા લસણમાં ખેડૂતો પાસે જેટલો પાક હતો તેને બજારમાં ઠાલવી દીધો છે. અને નવી આવક માર્ચ મહિનાથી શરૂ થશે. જેથી હાલ તેની આવક ઓછી છે. શિયાળામાં ઠંડી, વરસાદ અને ગરમી એમ મિશ્ર ઋતુ રહેતા કોથમરી, પાલખ, મેથીના પાકને પણ અસર થઈ છે અને તેના પાંદડાં ઝડપથી સુકાઈ જાય છે.