મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્યને રાજ્યની એકનાથ શિંદે સરકારમાં મંત્રી બનાવવાની લાલચ આપીને નાણા માગનાર મૂળ મોરબીના નીરજસિંહ રાઠોડની મંગળવારે નાગપુર પોલીસે ધરપકડ કરી હતી. નીરજ રાઠોડે પોતે ભાજપના પ્રમુખ જેપી નડ્ડાનો પીએ હોવાનો દાવો કર્યો હતો.
મધ્ય નાગપુર બેઠકના ભાજપના ધારાસભ્ય વિકાસ કુમ્ભારેએ રાઠોડ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કુમ્ભારેએ રાઠોડને નાણા આપ્યા નહોતા પણ અન્ય ધારાસભ્યોએ રાઠોડને નાણાની ચુકવણી કરી હતી. પોલીસે રાઠોડ સામે કલમ 420 હેઠળ કેસ નોંધીને ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારની તરફેણમાં સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ શિંદે સરકારના વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે.