રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં ચોક્કસ પ્રકારના ડ્રેસ સાથે ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદ રાજ્યના શિક્ષણ વિભાગને મળી હતી. જેના પગલે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાએ એવી તાકિદ કરી છે કે, સ્કૂલે આવતા ભૂલકાઓ, બાળકોને કોઇપણ ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં. આમ છતાં કોઇ સ્કૂલ આવી કોઇ ફરજ પાડતી હશે તો તેની સામે પગલાં ભરવામાં આવશે.
રાજ્યની સ્કૂલોમાં ચોક્કસ પ્રકારના ડ્રેસ પહેરવામાં આવે છે. આ ડ્રેસ સાથે સ્કૂલો શિયાળાની ઠંડીની ઋતુમાં ચોક્કસ પ્રકારના સ્વેટર કે ગરમ કપડાં પહેરે તેવી ફરજ પાડતી હતી. આ પ્રકારની ઘટનાઓ પણ ભૂતકાળમાં બની ગઇ છે. ચોક્કસ પ્રકારના ગરમ કપડાં અને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવાની ફરજ પાડતી સ્કૂલોએ સામે અગાઉ અનેક વખત વાલીઓએ ઉહાપોહ કર્યો હતો. વાલીઓએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, સ્કૂલો ચોક્કસ પ્રકારના સ્વેટર સાથે કેટલીક સ્કૂલો તો ચોક્કસ પ્રકારની ટોપી કે સ્કાર્ફ લેવાની પણ ફરજ પાડે છે.
આ ગરમ કપડાં પણ અમુક ચોક્કસ દુકાનો પાસેથી લેવાની ફરજ પાડવામાં આવે છે, જેથી કરીને ચોક્કસ વેપારીને બિઝનેસ મળે. આવું કરવા પાછળ સ્કૂલો અને વેપારીની મિલીભગત હોય છે. આ મિલીભગતમાં બંન્ને પક્ષે એકબીજાના હીતો સચવાતા હોવાથી સ્કૂલો આવી પ્રવૃતિઓ કરતી હોવાનું બહાર આવ્યું હતું. વળી, સ્કૂલો ચોક્કસ પ્રકારના વેપારી પાસેથી ગરમ કપડાં ખરીદવાની ફરજ પાડયા પછી પણ આ કપડાંઓની ગુણવત્તા પણ નબળી આવતી હતી.