છેલ્લા ટ્રેડિંગ સપ્તાહમાં, માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની ટોચની 10 કંપનીઓમાંથી 6ના માર્કેટ કેપમાં સંયુક્ત રીતે ₹1,40,478.38 કરોડ (₹1.40 લાખ કરોડ)નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન બજારમાં સૌથી વધુ નુકસાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ને થયું છે.
કંપનીનું માર્કેટ કેપ ₹62,538.64 કરોડ ઘટીને ₹13.85 લાખ કરોડ થયું છે. TCS ઉપરાંત, ઈન્ફોસિસ અને ICICI બેન્કના માર્કેટ કેપમાં પણ ₹30,488.12 કરોડ અને ₹26,423.74 કરોડનો ઘટાડો થયો છે.
તે જ સમયે, ટોપ-10માં ફક્ત 4 કંપનીઓએ સકારાત્મક વૃદ્ધિ દર્શાવી છે. આમાં ભારતી એરટેલ માર્કેટમાં ટોપ ગેઇનર રહી છે. એક સપ્તાહમાં કંપનીના માર્કેટ કેપમાં ₹37,797.09 કરોડનો વધારો થયો છે. હવે કંપનીનું માર્કેટ કેપ ₹7.31 લાખ કરોડ થઈ ગયું છે. એરટેલની સાથે એચડીએફસી બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એલઆઈસીની બજાર કિંમત વધી છે.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે (19 એપ્રિલ) શેરબજાર આજે વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 599.34 પોઈન્ટના ઉછાળા સાથે 73,088.33 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 151.15 પોઈન્ટ વધીને 22,147ની સપાટીએ બંધ રહ્યો હતો. લગભગ 700 પોઈન્ટના ઘટાડા બાદ આજે બજારમાં આ શાનદાર રિકવરી જોવા મળી હતી.
સેન્સેક્સના 30 શેરોમાંથી 22માં વધારો અને માત્ર 8માં ઘટાડો જોવા મળ્યો હતો. આજના ટ્રેડિંગમાં PSU બેન્ક, પ્રાઇવેટ બેન્ક અને ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો હતો.