શહેરના કાલાવડ રોડ પર કટારિયા ચોકડી નજીક રેસ્ટોન્ટ પાછળ ઝાડ સાથે કેબલ બાંધી પ્રૌઢે જીવનનો અંત લીધો હતો, પ્રૌઢના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી હતી.
કાલાવડ રોડ પર કટારિયા ચોકડી નજીક રેડ એપલ રેસ્ટોરન્ટ પાછળ ઝાડમાં એક વ્યક્તિની લાશ ટીંગાઇ રહી હોવાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડના સ્ટાફને પણ દોડાવાયો હતો. ફાયર બ્રિગેડ સ્ટાફે મૃતદેહ નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો. પોલીસે તપાસ કરતાં મૃતક યુનિવર્સિટી રોડ પરના રવિરત્ન પાર્કમાં રહેતા કાળીદાસ કુંવરજીભાઇ હદવાણી (ઉ.વ.55) હોવાનું ખુલ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કાળીદાસભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. કાળીદાસભાઇ નવા 150 ફૂટ રિંગ રોડ પર બાંધકામની કોઇ સાઇટમાં નોકરી કરતા હતા, સાંજે પાંચેક વાગ્યે કાળીદાસભાઇએ પોતાના સાળા સાથે મોબાઇલમાં વાતચીત કરી હતી. ત્યારબાદ ઝાડ સાથે કેબલ બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આપઘાતના કારણ અંગે અજાણ હોવાનું હદવાણી પરિવારે રટણ રટતાં પોલીસે કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.