લાખોની રકમની કાર હોય કે ઓછી રકમનું બાઈક હોય તેમાં મનગમતા નંબર લેવા માટે વાહનચાલકો લાખો રૂપિયાની બોલી લગાવતા અચકાતા નથી. તાજેતરમાં જ રાજકોટ આરટીઓ દ્વારા કાર માટેની નવી સિરીઝ GJ03NB બહાર પાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અરજદારોએ ભાગ લીધો હતો. જેમાંથી એક કારમાલિકે પોતાની નવી કાર માટે 0999 નંબર લેવા માટે ઓનલાઈન ઓક્શનમાં 16.90 લાખની બોલી લગાવી હતી. આ ઉપરાંત અન્ય એક કારચાલકે 0009 એટલે કે નવડી નંબર લેવા માટે 14.20 લાખની બોલી લગાવી હતી.
જે વાહન માલિકોએ પસંદગીના નંબર લેવા માટે લાખો રૂપિયાની બોલી લગાવી છે તેઓએ નિયમ મુજબ પાંચ દિવસમાં રકમ ભરી દેવાની રહે છે. જો વાહનમાલિક બોલી લગાવેલી રકમ આ દિવસો દરમિયાન નથી ભરતા તો તેમની ડિપોઝિટની રકમ આરટીઓ દ્વારા જપ્ત કરવામાં આવે છે અને તે નંબર અન્ય અરજદારને ફાળવવામાં આવે છે.રાજકોટ આરટીઓને કાર સિરીઝમાં માત્ર એક જ નંબરની રૂ.16.90 લાખની આવક થઇ છે.
આરટીઓમાં કાર માટેની નવી સિરીઝ GJ03NBમાં કુલ 849 અરજદારોની પસંદગીના નંબર મેળવવા માટેની અરજી માન્ય રહી હતી અને ગોલ્ડન, સિલ્વર અને અન્ય જુદા જુદા નંબરો માટે થયેલા ઓનલાઈન ઓક્શનમાં રાજકોટ આરટીઓને એક જ સિરીઝની કુલ 1.71 કરોડની જંગી આવક થઇ છે. આરટીઓ દ્વારા તાજેતરમાં જ જાહેર થયેલી કાર માટેના નંબર સિરીઝમાં 849 અરજદારોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી જેમાં સૌથી વધુ 0999 નંબર લેવા માટે એક અરજદારે 16.90 લાખની બોલી લગાવી હતી. 0999 નંબર સિવાયના ગોલ્ડન નંબરો માટે પણ લાખોની બોલી લાગી હતી અને આ સિરીઝમાં આરટીઓને કુલ 1,71,51,000ની આવક થઇ છે.