મોડાસા, ભિલોડા અને બાયડ વિધાનસભા બેઠકના પ્રચાર અર્થે મોડાસા આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધતાં જણાવ્યું કે હું ચૂંટણી પ્રચાર માટે નથી આવ્યો તમે જીતાડવાના જ છો હું તો ફક્ત આશીર્વાદ લેવા આવ્યો છું.
પ્રધાનમંત્રીએ તેમના પ્રવચન દરમિયાન ગુજરાત જરૂરિયાત કરતાં વધુ વીજ ઉત્પાદન કરતું હોવાનું જણાવ્યું હતું અને ગુજરાતમાં હવે ઘેર ઘેર સોલાર પેનલ લગાવી વીજ ઉત્પાદનમાં ક્રાંતિ સર્જવા ઉપર ભાર મૂક્યો હતો અને વધુમાં તેમણે ખેડૂતો જેમ અનાજ વેચે છે તેમ ગુજરાતમાં ઘેર ઘેર સોલાર પેનલ દ્વારા વીજ ઉત્પાદન કરીને લોકો ઘેર બેઠા તેનું વેચાણ કરી કમાણીશકે તે કામ મોદી જ કરી શકે તે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું. અરવલ્લી વાસીઓને ટકોર કરતાં મોદીએ જાહેર સભામાં ઉપસ્થિત દરેક લોકોને આ વખતે મતદાનના બધા રેકોર્ડ તોડી નાખવા ઉપર ભાર મૂક્યો હતો અને શ્રોતાઓને ઘરે જઈને વડીલોને પ્રધાનમંત્રી આવ્યા છે તેવું કહેવાના બદલે આપણા નરેન્દ્ર ભાઈ મોડાસા આવ્યા હતા અને તેમને પ્રણામ પાઠવ્યા છે તેવું કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ સરકારની વિવિધ યોજનાઓના લાભ જણાવી લોકોને કહ્યું હતું કે અરવલ્લી-સાબરકાંઠાના દૂધથી દિલ્હીની સવાર થતી હતી હવે 10 થી 12 કલાકમાં દિલ્હીમાં શાકભાજી પહોંચતી થતાં ભોજનની શરૂઆત થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા ગુજરાતમાં વીજળી માટે ખેડૂતોને આંદોલનો કરવા પડતા હતા અને તેમાંય મોડાસા માં આંદોલનનું વધુ જોર રહેતું હતું.