દેશમાં ઓટો ઇન્ડસ્ટ્રીને લગતા અનેકવિધ પ્રસ્તાવિત નિયમનકારી ધોરણોના અમલીકરણથી કોમર્શિયલ વાહનોની કિંમતમાં 10-12%નો વધારો જોવા મળશે તેવી શક્યતા રેટિંગ એજન્સી ઇકરાએ વ્યક્ત કરી હતી. ઇકરા અનુસાર સ્થાનિક ઓટો ઇન્ડસ્ટ્રી ઝડપી ગતિએ પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને સરકાર અત્યારે ઉત્સર્જનના ધોરણો, સલામતી માટેની સિસ્ટમ અને અન્ય ધોરણો પર ફોકસ કરી રહી છે જે દેશને અન્ય દેશોના ઓટોની હરોળમાં મૂકશે.
દેશમાં થતા કાર્બન ઉત્સર્જનમાં ખાસ કરીને કમર્શિયલ વ્હીકલનો વધુ હિસ્સો હોવાથી ઓટો ઇન્ડસ્ટ્રીમાં અત્યારે કમર્શિયલ વ્હીકલ પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. ઇકરા અનુસાર ડ્રાઇવિંગ અને સલામતી માટેના ધોરણોમાં ઉમેરો કરવાથી ડ્રાઇવિંગની સ્થિતિ અને સડક પર સલામતીને વધુ મજબૂત બનાવી શકાય છે.
તાજેતરના સમયમાં કેટલાક નિયનમકારી હસ્તક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં ઇન્ડસ્ટ્રી દ્વારા કડક ઉત્સર્જના ધોરણોનું અમલીકરણ કરવામાં આવ્યું છે, તેમજ ડ્રાઇવરોની સલામતી માટે એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ, સ્પીડને મર્યાદિત કરતી ડિવાઇસ અને કેબિનમાં બ્લોઅર્સ સહિતના પગલાં લેવામાં આવ્યા છે.