રાજકોટ મહાનગરપાલિકાએ વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં. 5માં આડા પેડક રોડ વિસ્તારમાં વિવિધ શાખાએ ઝુંબેશ હાથ ધરી હતી. આ પૈકી ટી.પી. શાખાએ 23 સ્થળેથી પતરાં, છાપરાં અને ઓટલાના દબાણ દૂર કર્યા હતા. આ ઉપરાંત પાર્કિંગની જગ્યામાં આડશ તરીકે કરાયેલા દબાણો દૂર કરીને 1850 ચોરસ ફૂટ જગ્યા પાર્કિંગ માટે ખુલ્લી કરાઈ હતી. જોગાનુજોગ ગત વર્ષે આ જ સમયે આ જ વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરી હતી અને તેમાં પણ દબાણ દૂર કરાયાના દાવા કરાયા હતા પણ એક જ વર્ષમાં ફરી દબાણો ખડકાયા છે.
રાજકોટ મહાનગરપાલિકાએ 21 મે 2022 વન વીક વન રોડ અંતર્ગત આડા પેડક રોડ પર કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે 64 સ્થળેથી છાપરાં અને ઓટલા દૂર કરાયા હતા. આ ઉપરાંત 2300 ચોરસ ફૂટ જેટલી પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. એક વર્ષ બાદ 23મીએ ફરી ત્યાં કાર્યવાહી હાથ ધરાઈ છે અને 23 સ્થળે છાપરાં-ઓટલા દૂર કરીને પાર્કિંગની 1850 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરાઈ છે.
એક જ વર્ષના દબાણમાં છાપરાં-ઓટલા ફરી બનવા લાગ્યા હતા અને પાર્કિંગની જગ્યાઓ તો બંધ જ કરી દેવાઈ છે. આ સાબિત કરે છે કે મનપા ગમે તેટલી કાર્યવાહી કરે તો પણ દબાણ ફરી ફરી થયા કરે છે. કાયમી ઉકેલ મનપાને મળતો જ નથી. દબાણને કારણે ફક્ત ફૂટપાથ દબાય છે તેટલું જ નથી પણ રોડ પર ટ્રાફિક અને ગંદકીના પ્રશ્નો પણ વધતા જાય છે. દબાણનો યોગ્ય ઉકેલ મળશે તો જ શહેરમાં સફાઈ અને ટ્રાફિકનો ઉકેલ પર મળી રહેશે.