પીજીવીસીએલ દ્વારા સોમવારે સવારથી જ રાજકોટ શહેર સહિત ગઢડા અને વાંકાનેર પંથકમાં વીજચોરી પકડી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. રાજકોટમાં વાવડી અર્બન, ખોખડદળ અને મવડી રોડ સબડિવિઝન હેઠળ આવતા જુદા જુદા વિસ્તારોમાં 44 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.
રાજકોટ શહેરમાં સોમવારે સવારથી જ વીજ ટુકડીઓ જુદા જુદા વિસ્તારોમાં વીજચેકિંગની કાર્યવાહી હાથ ધરતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા શહેરના વાવડી અર્બન, ખોખડદળ અને મવડી રોડ સબડિવિઝન હેઠળના નારાયણનગર, સીતારામ, હરિદ્વાર સોસાયટી, હાઉસિંગ બોર્ડ, ખોખડદળ ગામ, જડેશ્વર, વેલનાથ, આંબેડકરનગર, ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં 44 ટીમ ત્રાટકી હતી અને 702 કનેક્શન ચેક કરાયા હતા જ્યારે 119 કનેક્શનમાં ગેરરીતિ જણાતા રૂ.28.76 લાખની દંડનીય કાર્યવાહી કરાય હતી.