જાહેર ક્ષેત્રની બેન્કો માર્ચ, 2022ના રોજ પૂરા થતા પાંચ વર્ષ દરમિયાન રૂ.7.34 લાખ કરોડની લોન માંડવાળ સામે માત્ર 14 ટકા રકમની જ વસૂલાત કરી છે. રૂ.7.34 લાખ કરોડની લોન માંડવાળ સામે રાજ્ય હસ્તકની બેન્કોએ 1.03 લાખ કરોડની વસૂલાત કરી છે. બેન્ક દ્વારા રિકવરી બાદ હવે માંડવાળ થયેલી લોનની રકમ રૂ.6.31 લાખ કરોડ છે. બેન્ક દ્વારા તેની બેલેન્સ શીટને જાળવવા માટે નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે માંડવાળ થયેલી લોનની અસરનું મૂલ્યાંકન કરે છે.
RBIની માર્ગદર્શિકા અને તેના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિ અનુસાર બેન્ક આ પ્રક્રિયા અનુસરે છે. આ પ્રકારની માંડવાળને કારણે લોનધારકોને પુન:ચૂકવણીની જવાબદારીમાંથી મુક્તિ મળતી નથી. માંડવાળ થયેલી લોનના લોનધારકો પુન:ચૂકવણી માટે જવાબદાર છે અને લોનધારકો પાસેથી લોનની રિકવરીની પ્રક્રિયા પણ સતત ચાલુ રહે છે.
બેન્ક માંડવાળ થયેલા ખાતામાંથી લોનની રકમની વસૂલાત માટે કેટલીક પદ્ધતિને અનુસરે છે. જેમાં ડેટ રિકવરી ટ્રિબ્યુનલમાં દાવો દાખલ કરવો, સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકંસ્ટ્રક્શન ઑફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઑફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, 2002 હેઠળ કાર્યવાહી કરવાનો સમાવેશ થાય છે. તેઓ ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, 2016 હેઠળ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં વાટાઘાટો દ્વારા સમાધાન અને નોન-પર્ફોર્મિંગ એસેટ્સના વેચાણ દ્વારા વસૂલાતનો પ્રયાસ કરે છે.