રાજકોટથી મોરબી જઇ રહેલી કાર ટંકારાના મિતાણા નજીક પહોંચી હતી ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ હતી, ગોઝારા અકસ્માતમાં કારચાલક મોરબીના યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના એક મિત્રએ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો, જ્યારે બે મિત્રોને ઇજા થઇ હતી.
મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતો જય જિતેન્દ્રભાઇ ચાવડા (ઉ.વ.22) તેની કારમાં તેના ત્રણ મિત્ર મોરબીમાં જ રહેતા રોહિત ડાયાભાઇ અદગામા (ઉ.વ.17), જય ગોપાલભાઇ અગેચણિયા (ઉ.વ.19) અને રૂપેશ મનુભાઇ ધોળકિયા (ઉ.વ.18)ને લઇ મંગળવારે સાંજે રાજકોટ ગરબી જોવા આવ્યો હતો, ચારેય મિત્રએ મોડીરાત સુધી શહેરમાં જુદી જુદી ગરબીનો આનંદ માણ્યો હતો અને ગરબી બાદ ચારેય મિત્રએ નાસ્તાની મોજ માણ્યા બાદ બુધવારે વહેલી સવારે મોરબી જવા નીકળ્યા હતા.