દેશમાં હજુ ચોમાસાની શરૂઆત પણ થઇ નથી ત્યારે અલ-નીનોએ તેની અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. આના કારણે જૂનમાં વરસાદ ઓછો અને ગરમી વધારે પડી શકે છે. હવામાન વિભાગે શુક્રવારે જારી કરેલા અંદાજમાં કહેવામાં આવ્યું છે કે ચાર મહિના સુધી ચાલનાર ચોમાસાના પ્રથમ મહિના જૂનમાં સામાન્ય કરતાં ઓછો 92 ટકા વરસાદ થવાના સંકેત છે. જૂનમાં સામાન્ય રીતે દેશમાં 165.4 મીમી વરસાદ થાય છે. અલબત્ત આઇએમડીએ દેશભરમાં સમગ્ર ચોમાસા દરમિયાન સામાન્ય એટલે કે 96 ટકા વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાની સિઝનમાં સામાન્યથી ઓછો એટલે કે 92 ટકા, મધ્ય ભારત, પૂર્વ અને પૂર્વોતર તેમજ દક્ષિણ ભારતમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના નિષ્ણાત કહી રહ્યા છે કે જૂનમાં થનાર ઓછા વરસાદની ભરપાઇ આવનાર મહિનામાં થશે. મેમાં આ વખતે સામાન્યથી ઓછું તાપમાન રહ્યું છે, પરંતુ હવામાન વિભાગે કહ્યું છે કે જૂનમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે તાપમાન રહેશે.
હવામાન વિભાગના વિજ્ઞાની ડી.એસ. પઇએ કહ્યું છે કે અલ-નીનો વર્ષના વરસાદની અછત સાથે સીધો સંબંધ હોતો નથી. 1951થી હજુ સુધી 15 વખત એવુ બન્યું છે, જ્યારે મોનસૂન દરમિયાન અલ નીનોની સ્થિતિ પણ રહી હતી. આ પૈકી નવ વખત મોનસૂનમાં 90 ટકા કરતાં ઓછો (સામાન્ય કરતાં ઓછો) , ચાર વખત સામાન્યની આસપાસ એટલે કે 90થી 100 ટકાની વચ્ચે અને બે વખત 100 ટકા એટલે કે સામાન્ય કરતાં વધારે વરસાદ થયો છે.