6 જાન્યુઆરી, 2021ના રોજ યુએસ સંસદ કેપિટોલ હિલ પર હુમલાના બે આરોપીઓએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી માફી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ધ ગાર્ડિયન અનુસાર આરોપી જેસન રિડલ અને પામેલા હેમફિલનું કહેવું છે કે કેપિટોલ હિલ પર જે પણ કરવામાં આવ્યું તે માફી લાયક નથી.
ગુરુવારે મીડિયા સાથે વાત કરતા 71 વર્ષીય હેમ્ફિલે કહ્યું કે, જો તે માફી સ્વીકારશે તો તે સંદેશ જશે કે 6 જાન્યુઆરીનો હુમલો શાંતિપૂર્ણ પ્રદર્શન હતું. હેમ્ફિલને 2022માં કેપિટોલ હિલ પર ગેરકાયદેસર રીતે વિરોધ અને ધરણાં કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને 60 દિવસની જેલ અને ત્રણ વર્ષની પોલીસ દેખરેખની સજા ફટકારવામાં આવી હતી.
બીજી તરફ જેસન રિડલે, જેને 90 દિવસની જેલ અને $750નો દંડ ફટકારવામાં આવ્યો હતો, તેણે પણ માફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. રિડલે ન્યૂ હેમ્પશાયર પબ્લિક રેડિયો (એનએચપીઆર)ને કહ્યું- જ્યારે પણ કોઈ હાયરિંગ કંપની મારો બેકગ્રાઉન્ડ જોશે ત્યારે તેઓ મારા પરના આરોપો જોશે. રાષ્ટ્રપતિ તરફથી માફી સ્વીકારીને આને વધુ ઉજાગર કરવામાં આવશે.