આપણે તાત્કાલિક સંતોષ (ઈન્સટન્ટ ખુશી)ના યુગમાં રહીએ છીએ. ઈન્સટન્ટ કોફી, બે મિનિટ નૂડલ્સ, ફિલ્મો એક ક્લિકના અંતરે વગેરે. FOMO (ફિયર ઓફ મિસિંગ આઉટ, એટલે છૂટી જવાનો ડર), YOLO (યુ ઓન્લી લિવ વન્સ, અર્થાત્ તમે માત્ર એક વાર જ જીવો છો) જેવા વાક્યો અત્યંત લોકપ્રિય થઈ ગયા છે. મોજ-મસ્તીને પ્રાથમિકતા આપવી જીવનની વ્યાખ્યા બની ગઈ છે. જોકે, મનુષ્ય જીવન કોઈ આઈસક્રીમ નથી, જે એકવાર આનંદ માટે ઉપયોગ કરીને સમાપ્ત કરી દેવામાં આવે. વાસ્તવિક તૃપ્તિ માટે જીવનને એક મીણબત્તી તરીકે જુઓ, જ્યાં તરસ છીપાતા પહેલા પોતાની સંપૂર્ણ ક્ષમતાથી સેવા કરી શકો. રાવણને એક વિદ્વાન બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવતો હતો. તેમ છતાં તેણે માતા સીતાનું અપહરણ કરવાની ભૂલ કરી. તે જ્યારે પોતાના અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો, ત્યારે ભગવાન રામે લક્ષ્મણને રાવન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાની સુચના આપી હતી. રાવણે લક્ષ્મણને સલાહ આપી હતી કે, શુભ કાર્યમાં ક્યારેય મોડું ન કરો અને નકારાત્મક કે અપવિત્ર વિચારો પર કાર્યવાહી કરવામાં કાયમ મોડું કરો. ઉપરોક્ત શીખામણ આપણા આધુનિક જીવનના સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ગમે તેટલું ગળ્યું ભોજન હોય, ધુમ્રપાનની તલબ હોય, સોશિયલ મીડિયામાં કલાકો સુધી ડુબેલા રહેવું હોય કે સવારે એલાર્મ ટાળતા રહેવું- આપણે સહુ પોતાના રોજિંદા જીવનમાં આવા ક્ષણિક સંતોષમાં ડૂબેલા રહીએ છીએ. જો આપણે આ ઈન્દ્રિય ઉત્તેજનાઓને પૂર્ણ કરવામાં જાણીજોઈને મોડું કરીએ, તો તેમાંથી અનેક ઉત્તેજનાઓ તો આ મોડું થવાને કારણે જ ફીકી પડી જશે. તે આપણને લાંબાગાળાના તેની નુકસાનકારક અસરોથી તો બચાવશે જ, પરંતુ જીવનમાં ઉચ્ચ લક્ષ્યો માટે આપણા આત્મ-નિયંત્રણ, ઈચ્છાશક્તિ અને દૃઢતાને પણ મજબૂત કરશે.
આપણું મન નાના બાળકો જેવું છે. તે ‘સુખ સિદ્ધાંત’ પર કામ કરે છે, જેમાં બે સ્પષ્ટ લક્ષ્ય હોય છે: સંતોષની પ્રાપ્તી અને અસુવિધા ઘટાડવી. મન અનેક પ્રકારના સંતોષ શોધે છે- જેમકે પ્રસિદ્ધિ, ભાવનાત્મકતા, રોમાંચ, સત્તા-શક્તિ, સુખ-સાહ્યબી, પ્રેમ વગેરે. સાથે જ મન અસુરક્ષા, કંટાળો, આત્મ-શિસ્ત, દુ:ખ વગેરેની અસુવિધાથી પણ દૂર ભાગે છે. જોકે, આ દરેક શોધ પાછળ, એક બેવડું લક્ષ્ય હોય જ છે- સુખની શોધ અને પીડાથી બચવું.
વૈદિક શબ્દાવલીમાં આવા સંકલ્પ (રાગ) અને વિકલ્પ (દ્વેષ) મનુષ્યોમાં હલકી પ્રકૃતિનું નિર્માણ કરે છે. આ હલકી પ્રકૃતિ ખતરનાક જાળ છે, જે ક્યારેય સમાપ્ત ન થતી ભૌતિક ઈચ્છાઓ અને આખરે દુ:ખોની કાલકોઠડીમાં લઈ જઈ શકે છે. અટલે, જીવનમાં આપણે મહત્ત્વનાં અને સાર્થખ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે હલકી પ્રકૃતિમાંથી બહાર નીકળવાનું શીખવું જરૂરી છે. બીજું, આત્મશિસ્ત અભ્યાસ સાથે વિકસાવો. તે આપણને હલકી પ્રકૃતિને કારણે પેદા થતી ઈચ્છાઓનો વિરોધ કરવામાં સશક્ત બનાવે છે. આત્મશિસ્ત વધારવા માટે પોતાની સહનશક્તિ મજબૂત કરો. દરેક વખતે તમારું મન તમને કંઈક એવું કરવા માટે કહે, જે તમારા સર્વોચ્ચ ઉદ્દેશ્ય માટે ફાયદાકારક ન હોય, તો ઈચ્છાપૂર્તિ કરવાને બદલે તમે એ આગ્રહને સહન કરો. માની લો કે મન કહે છે, ‘મારે મનોરંજન માટે ઈન્ટરનેટ પર સર્ફ કરવું છે.’ મનોરંજનમાં ડૂબેલા રહેવાને બદલે એ આગ્રહ સામે અડગ રહો, ‘ના, સમયને વેડફવો ખોટું છે, હું મારા મનની નહીં સાંભળું’. સાચો આનંદ અને સંતોષ ત્યારે જ પ્રાપ્ત થાય છે, જ્યારે તમે ‘દુ:ખ નહીં તો કોઈ ફાયદો નહીં’ની પ્રસિદ્ધ કહેવત મુજબ જીવન જીવો છો.