Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિધાનસભાની ચૂંટણીને પગલે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નરોડાથી લઈને ચાંદખેડા સુધીના મેરેથોન રોડ શોમાં અનેક લોકો જોડાયા પરંતુ આ રોડ શોને કારણે હજારો લોકોને મુશ્કેલી પણ ભોગવવી પડી હતી. રૂટ પર આવતા અનેક નાના-મોટા વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા ઉપરાંત અનેક રોડ પર કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાત અને વેપાર ધંધેથી પરત આવી રહેલા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે ઘણી જગ્યાએ રસ્તા બંધ કરેલા હોવાથી વાહનચાલકોને અનેક કિમી ફરી ફરીને તેમના ગંતવ્ય સ્થળે પહોંચવું પડ્યું હતું. એક તરફ ચૂંટણી અને બીજી તરફ લોકોની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરોડાથી શરૂ કરી ચાંદખેડા સુધી રોડ શો કર્યો હતો. જે નિયત સમય કરતા મોડો શરૂ થતા વડાપ્રધાન સુભાષ બ્રિજ પહોંચે તે પહેલા જ તેમના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો અને અનેક રૂટ બંધ પણ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે સુભાષબ્રિજ જંક્શન સાબરમતી ચાંદખેડા અને અન્ય વિસ્તારોને જોડતો હોવાથી આ સુભાષબ્રિજ સર્કલ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કલાકો સુધી લોકો ફસાયેલા રહ્યા હતા. રોડ શો પૂર્ણ થયા બાદ ટ્રાફિક હળવો બન્યો હતો.