પાકિસ્તાનના પેશાવરમાં આતંકી હુમલા બાદ સેનાની ભૂમિકા પર સતત સવાલ ઊઠી રહ્યા છે. આ દરમિયાન ખૈબર પ્રાંતની પોલીસ અણધાર્યા પગલાં ઉઠાવી રસ્તા પર ઉતરી છે. તેણે ISI વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આવું પહેલીવાર બન્યું છે, જ્યારે વરદી પહેરીને લગભગ 24 પોલીસકર્મી પેશાવર પ્રેસ ક્લબની બહાર એકઠાં થયા અને ISI વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમણે મસ્જિદમાં થયેલા આત્મઘાતી હુમલાની નિષ્પક્ષ તપાસની માંગ કરતા કહ્યું હતું કે, અમે ખૈબર પખ્તુનખ્વા પોલીસ સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છીએ. અમારો વિરોધ ‘સિસ્ટમ’ સામે છે.
બીજી તરફ, માનવાધિકાર સંગઠનો બાદ હવે સત્તાધારી પાર્ટીએ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)નાં ઉપાધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમે આ હુમલા માટે પૂર્વ ISI ચીફ માસ્ટર જનરલ ફૈઝ હમીદને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું હતું કે, જનરલ હામિદને ઇમરાન પોતાની આંખ, હાથ અને કાન કહેતા હતા. ત્યારે પેશાવરમાં તૈનાતી બાદ તેમણે આતંકીઓ (અફઘાનિસ્તાન) માટે દરવાજો કેમ ખોલ્યો? કટ્ટર આતંકીઓને કેમ છોડવામાં આવ્યા? જો હમીદ દેશની આંખ, કાન અને હાથ હોત તો આતંકવાદને આશરો ન મળત.
તાલિબાને પાકને કહ્યું |હુમલા સાથે અમારે કોઇ લેવાદેવા નથી
અફઘાનિસ્તાનમાં તાલિબાનોને સત્તા સુધી પહોંચવામાં મદદ કરનારા પાકિસ્તાનને હવે તાલિબાનો જ આંખ દેખાડી રહ્યા છે. અફઘાનિસ્તાનના વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકીએ ખુલ્લેઆમ કહ્યું છે કે, પેશાવર હુમલા સાથે અફઘાનિસ્તાનને કોઈ લેવાદેવા નથી. આ પાકિસ્તાનનો આંતરિક મામલો છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. આપણા દેશમાં પણ 20 વર્ષથી મસ્જિદો પર હુમલા થઈ રહ્યા છે અને લોકો મોતને ઘાટ ઉતરી રહ્યા છે.