પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રીયમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા. કમલમ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું અને સદસ્યતા અભિયાનને લઈને કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. જો કે રાજકોટ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે મશ્કરીમાં જ સી.આર. પાટીલે ગંભીર મેણાટોણા માર્યા હતા અને પ્રમુખ દોશીને સંખ્યા મામલે ખખડાવ્યા હતા. સી. આર. પાટીલે સ્ટેજ પરથી કેટલા સભ્યો કરવા છે તે પૂછ્યું હતું તો તેઓએ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિરાણી સામે જોઈને કહ્યું હતું કે, ‘રાજકોટમા તો કરોડોની જ વાત હોય કમલેશને હમણા પૂછીશ તો ખુલાસો જ કર્યા કરશે.’
આ રીતે તેઓએ કમલેશ મિરાણીએ કરોડોનો આંક શું કર્યો છે તેનો ટોણો માર્યો હતો. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીને પણ કહ્યું હતું કે સવારે વડાપ્રધાનનો ઓનલાઈન કાર્યક્રમ હતો પણ રાજકોટમાંથી માંડ 150 જ લોકો જોડાયા હતા એટલે કે વોર્ડ દીઠ 10 પણ નથી થયા! સી.આર. પાટીલ પાસે વધુ સમય ન હતો એટલે તેઓ સ્ટેજ પરથી સંબોધન કરીને તુરંત જ નીકળી ગયા હતા. પાટીલે કોઇ સાથે લાંબી બેઠક કે ચર્ચા કરી ન હતી જો કે તેમણે સ્ટેજ પરથી કમલેશ મિરાણીનું નામ કરોડોની ચર્ચામાં ઉમેરી દીધું છે જેથી રાજકીય વિશ્લેષકોને ભારે રસ પડ્યો છે.