કેનેડાના ટોરન્ટો શહેરના ઉદ્યોગોનું દૂષિત પાણી સીધું જ ડૉન નદીમાં છોડવામાં આવતા તે પ્રદૂષિત થઇ હતી. દૂષિત પાણીને કારણે બીમારી ફેલાઇ જેને કારણે કેનેડા સરકારે 1969માં ડૉન નદીને મૃત જાહેર કરી હતી. પરંતુ શહેરીજનોએ હાર ન માની અને 54 વર્ષના સંઘર્ષ બાદ ડૉન નદીને પુનર્જીવિત કરી છે. તેઓએ 18,400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
તેનો હેતુ 15 વર્ષમાં નદીને સ્નાનલાયક બનાવવાનો છે. લોકોએ ટાસ્કફોર્સ બનાવીને ‘ડોન નદીને પરત લાવો’ નામનું અભિયાન શરૂ કર્યું. ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા લોકોએ નદીના કિનારાની સફાઇ કરી. 6133 કરોડ રૂપિયાના ખર્ચે નદીકિનારે નવી સડકોનું નિર્માણ કર્યું. તદુપરાંત શિયાળા દરમિયાન સડક પર જામેલા બરફને હટાવવા માટે વપરાતા મીઠાનો ઉપયોગ ઓછો કર્યો જેથી કરીને ચોમાસામાં તે મીઠું વહીને નદીમાં ન જાય.
જોકે નદીમાં આવતું પાણી હજુ સ્વચ્છ નથી. તેને સાફ કરવાના પ્રયાસો સતત થઇ રહ્યા છે. ટોરન્ટો રિજનલ કન્ઝર્વેશન ઓથોરિટી વોટરે પાણીની ગુણવત્તાનું રિપોર્ટકાર્ડ જારી કર્યું છે. જેમાં ફોસ્ફરસ, ન્યૂટ્રીએન્ટ્સ, ક્લોરાઇડ અને મીઠાનું સ્તર ખૂબ વધુ છે.
આગામી 15 વર્ષમાં નદીનું પાણી સ્નાનલાયક બની જશે તેવી આશા છે. ટોરન્ટોની યોર્ક યુનિવર્સિટીના ઇતિહાસના એસોસિએટ પ્રોફેસર જેનિફિર બોનેલ અનુસાર પહેલાં ટેનરી અને કતલખાનાનું દૂષિત પાણી આ નદીમાં છોડાતું હતું. 1969માં ડૉન નદીને મૃત જાહેર કરવા પર પર્યાવરણવિદોએ રેલી કાઢી હતી. 1972માં આ નદી સંરક્ષણ આંદોલનનો હિસ્સો બની હતી. ટોરન્ટોના મેયર રૉબ ફોર્ડે 2010માં સ્વયંસેવકોના જૂથને ભંગ કર્યું હતું તેમ છતાં ટાસ્ક ફોર્સના દરેક સભ્યએ કામ ઝડપી કર્યું હતું.