ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 238 લોકોનાં મોત થયા હતા. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. રેલવેના જણાવ્યા અનુસાર 650 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે સાંજે લગભગ 7 વાગે થયો હતો.
રેલવેના જણાવ્યા અનુસાર કોલકાતા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર-હાવડા એક્સપ્રેસ બહનગા સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ પછી, કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન નજીકના ટ્રેક પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલા યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. તેના કેટલાક કોચ બીજા ટ્રેક પર પલટી ગયા અને બીજી બાજુથી આવતી શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ. આ પછી કોરોમંડલ ટ્રેનના કેટલાક કોચ પણ પાટા પરથી ઉતરી ગયા હતા. આ બોગી અન્ય ટ્રેક પર માલગાડી સાથે અથડાઈ હતી. કેટલીક બોગી માલગાડીની ઉપર ચઢી ગઈ હતી.