કરજણમાં મોટર રીવાઇન્ડીંગનો વ્યવસાય કરતાં ઇસમે નેશનલ હાઇવે 48 ઉપર આવેલી ગ્રીન ક્રિષ્ના હોટલના માલિક પાસેથી 6 લાખ રૂપિયા 6 ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે હોટલ માલીકે મહિને ₹35,000 વ્યાજ વસૂલ કરતો હતો. છ લાખની સામે 44 લાખ વસુલ્યા બાદ બીજા 15 લાખની માગણી કરતા આખરે મોટર રીવાઇડીંગનો વ્યવસાય કરતા ઇસમે કરજણ પોલીસ સ્ટેશનમાં ગ્રીન ક્રિષ્ના હોટલના માલિક, પત્ની તેમજ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરેલ છે.
કરજણ જુના બજાર ખાતે આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ ઉર્ફે રાહુલ રાવજીભાઈ કઢાણીયા જેઓ મોટર રીવાઇડીંગનો વ્યવસાય કરે છે. જેમાં રાહુલભાઈએ 2016 માં ધંધાના ડેવલોપીંગ માટે કરજણ ગ્રીન ક્રિષ્ના હોટલના માલિક નવીનભાઈ પંચાંગભાઈ કંટેસરિયા પાસે થી 6 લાખ રૂપિયા 6 ટકાના વ્યાજે લીધા હતા. દર મહિને નવીનભાઈ તેમજ તેમનો પુત્ર ધવલ રાહુલભાઈની દુકાને આવીને ₹35,000 વ્યાજ લઈ જતા હતા.