પાકિસ્તાન આર્મીના પૂર્વ વડા કમર જાવેદ બાજવાને પત્નીની હાજરીમાં જ અપમાનિત કરાયા હોવાનો એક વીડિયો વાઇરલ થયો છે. પાકિસ્તાની પત્રકાર વકાસે ટિ્વટર પર શેર કરેલા વીડિયોમાં કથિત રીતે એક અફઘાની વ્યક્તિ બાજવાને અફઘાનિસ્તાનમાં જેહાદ માટે જવાબદાર ગણીને ગાળો ભાંડી રહ્યો છે.
પાકિસ્તાની પત્રકારના જણાવ્યા પ્રમાણે બાજવા પત્ની સાથે હાલ ફ્રાન્સમાં છે અને આ વીડિયો રવિવારનો છે, જેમાં બાજવાને તેમનાં પત્નીની હાજરીમાં જ એ વ્યક્તિએ અસભ્ય વર્તન કર્યું હતું. વકાસે આ મુદ્દો ફ્રાન્સ સામે રાજદ્વારી રીતે ઉઠાવવાની માગણી કરવા સાથે સપરિવાર રજા ગાળવા આવેલા બાજવાને આ રીતે અપમાનિત ન કરવા જોઈએ, તેમ કહ્યું હતું.
નવેમ્બરમાં જ નિવૃત્ત થયેલા બાજવાને અફઘાની જેવી લાગતી વ્યક્તિ અફઘાનિસ્તાનમાં જેહાદ માટે જવાબદાર ઠેરવીને ગાળો ભાંડી રહી હોવાનું વીડિયોમાં જોવા મળે છે, સામે બાજવા પોતે હવે પાકિસ્તાનના આર્મી ચીફ ન હોવાનું કહેતાં સંભળાઈ રહ્યા છે. બાજવાએ એ વ્યક્તિને પોલીસ બોલાવવાની સલાહ પણ આપી હતી. આમ છતાં એ વ્યક્તિ પ્રમાણભાન ભૂલીને અપમાનિત કરતી રહે છે.