ભારતીય દૂતાવાસની પ્રેસ વિજ્ઞપ્તિમાં કહેવામાં આવ્યું છે, ‘ભારતની કાર્યવાહી સચોટ રહી છે. આ કદમ સચોટ, જવાબદાર અને બિનઉશ્કેરણીજનક રીતે ઉઠાવાયા છે. કોઈપણ પાકિસ્તાની નાગરિક, આર્થિક કે સૈન્ય લક્ષ્યને નિશાન બનાવાયા નથી. માત્ર ઓળખી લેવાયેલા આતંકી શિબિરો પર હુમલા કરવામાં આવ્યા.’
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં સ્થિત 9 આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઈક કરી. આ એરસ્ટ્રાઈક પછી તરત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે વાત કરી અને તેમને આ કાર્યવાહી અંગે જાણકારી આપી.
આ ઉપરાંત ભારતે બ્રિટન, સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમીરાત અને રશિયાને પણ આ એર સ્ટ્રાઈક અંગે જાણકારી આપી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકી અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કર્યા પછી પાકિસ્તાને એવી વાત કરી હતી કે ભારતે રહેણાંક વિસ્તારોમાં હુમલા કર્યા છે. આ અંગેનો જવાબ આપતા અને પોતાની કાર્યવાહી અંગે સ્પષ્ટ જાણકારી આપતા NSA અજીત ડોભાલે અમેરિકા સહિત વિવિધ દેશોને ભારતની કાર્યવાહી અંગે સ્પષ્ટ જાણકારી આપી છે.