ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસને કારણે ઉત્તર ભારતમાં બુધવારે 330 ટ્રેન રદ કરી દેવામાં આવી હતી. અને 100થી વધુ ફ્લાઇટ્સને અસર પહોંચી હતી. રેલવેએ જે ટ્રેનો રદ કરી તેમાં મિરાજ, કોલ્હાપુર, સાંગલી, પઠાણકોટ, વારાણસી સહિત વિવિધ શહેરોની ટ્રેનો સામેલ છે. 330 ટ્રેનમાં 268 ટ્રેન સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી. જ્યારે 63 ટ્રેન આંશિક રીતે રદ કરાઈ હતી. ઉત્તર ભારતમાં સંખ્યાબંધ ટ્રેનો નિર્ધારીત સમયપત્રક કરતાં મોડી ચાલી રહી છે.
આ તરફ દિલ્હીમાં ઓછામાં ઓછી 100 ફ્લાઇટને અસર પહોંચી હતી. ધુમ્મસને કારણે મોટા ભાગની ફ્લાઇટ ડાઇવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી એરપોર્ટના અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાંક વિમાનોનો માર્ગ બદલવામાં આવ્યો હતો કારણ કે પાઈલટ સીએટી-આઇઆઇએમ ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમમાં વિમાન ઉતારવા માટે તાલીમબદ્ધ નહોતા. આ સિસ્ટમ દ્વારા રનવે પર જ્યારે ઓછામાં ઓછી વિઝિબિલિટી 40 મીટર અને ઊંચાઈ 15 મીટર હોય છે ત્યારે જ ટ્રેન્ડ પાઈલટ વિમાન ઉતારી શકે છે.
કાશ્મીરમાં કૉલ્ડ વેવથી પાણીની પાઇપો થીજી ગઈ
જમ્મુ કાશ્મીરમાં કૉલ્ડ વેવ વધુ તીવ્ર બની હતી. શ્રીનગર સહિતના વિસ્તારોમાં આકરી ઠંડીના કારણે પાણીની પાઇપલાઇનો થીજી ગઈ હતી. દાલ લેક તથા અન્ય જળાશયોનો કેટલોક હિસ્સો પણ થીજી ગયો હતો. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઇનસ 5.6 ડિગ્રી નોંધાયું હતું. પહલગામમાં માઇનસ 7.4 તાપમાન નોંધાયું હતું. સ્કીઇંગ માટે જાણીતા ગુલમર્ગમાં માઇનસ 6 ડિગ્રી તો કુપવાડામાં માઇનસ 5.5 ડિગ્રી ઠંડી રહી હતી. પહલગામ તથા આસપાસના વિસ્તારોમાં ટૂંકા ગાળા માટે હિમવર્ષા થઈ હતી. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વ્યાપક હિમવર્ષા થવાની આગાહી છે.