ટોરેન્ટ ગ્રૂપની બે લિસ્ટેડ ગ્રૂપ કંપનીઓના શેરોમાં આવેલી તેજીને પગલે માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.એક લાખ કરોડનું વટાવી ગયું હતું. ગુજરાતમાં અદાણી ગ્રુપ, સનફાર્મા બાદ ટોરેન્ટ ગ્રુપ ત્રીજું સૌથી વધુ માર્કેટકેપ ધરાવતું ગ્રુપ બની ગયું છે. કંપનીના પાવર યુનિટ્સનું ઇલેક્ટ્રીકલ વાહનો (ઇવી)ની કામગીરીને વેગ આપવામાં આવતા અને ફાર્મા કંપનીના એક્વિઝિશનથી શેરોમાં તેજી આવી હતી.
ટોરેન્ટ ફાર્માસ્યુટીકલ્સનો શેરનો ભાવ એનએસઈ પર એક તબક્કે રૂ.2,015ની સપાટીને સ્પર્શીને રૂ.2,010 બંધ રહેતાં માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.68,000 કરોડની નજીક રૂ.67,779 કરોડ રહ્યું હતું. કંપનીનો શેરનો ભાવ પણ રૂ.2,036ની સર્વોચ્ય સપાટીની નજીક બંધ હતો. જ્યારે ગ્રૂપની અન્ય કંપની ટોરેન્ટ પાવરનો ભાવ લગભગ સપાટ એટલે કે 0.5 ટકા વધીને રૂ.676.50 બંધ રહેતાં માર્કેટ કેપ રૂ.32,514 કરોડ રહ્યું હતું.
શેરનો ભાવ ઇન્ટ્રા ડેમાં વધીને રૂ.682 થયો હતો. આમ સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.1,00,293 કરોડ થયું હતું. કંપનીની વિસ્તરણ, હસ્તાંતરણ યોજનાઓ, મજબૂત નાણાકીય કામગીરી અને નવી ભૌગોલિક ક્ષેત્રોમાં વિસ્તરણને કારણે કારણે આ છેલ્લાં ત્રણ વર્ષમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં બે ગણી વૃદ્ધિ નોંધાઈ છે. ફેબ્રુઆરી 2020માં ગ્રુપનું મૂલ્યાંકન રૂ.50,000 કરોડ આસપાસ રહ્યું હતું.