જૂન માસને મલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવાનો હોવાથી મચ્છર ઉત્પત્તિ રોકથામ માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો ઉપરાંત તપાસનો આરંભ કરાયો છે. જેને લઈને જ્યાં જ્યાં મચ્છર ઉત્પત્તિ હોય ત્યાં નોટિસ અને દંડ ફટકારવાની કામગીરીમાં સૌથી પહેલા ખાનગી હોસ્પિટલનો જ વારો લેવાયો છે અને 16ને નોટિસ ફટકારાઈ છે.
મનપાની મલેરિયા શાખાએ શહેરની 142 હોસ્પિટલમાં તપાસ કરી હતી આ પૈકી 16 હોસ્પિટલમાં મચ્છરના લારવા મળતા તમામને નોટિસ ફટકારાઈ છે. જેમાં સ્ટર્લિંગ, સ્ટાર સીનર્જી, ગોકુલ સહિતની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. મનપા દર વર્ષે હોસ્પિટલમાં ચેકિંગ કરે છે અને ત્યાંથી મચ્છરના લારવા મળે છે.
આ એ જ હોસ્પિટલ છે જ્યાં ડેન્ગ્યુના ગંભીર દર્દીઓની સારવાર થતી હોય છે તેમજ તેના સંચાલકો મચ્છર ઉત્પત્તિ મામલે દર્દીઓ અને તેમના પરિવારજનોને જ્ઞાન પીરસતા હોય છે પણ પોતાની હોસ્પિટલ જ ચોખ્ખી રાખી શકતા નથી. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, મલેરિયા શાખાએ અનેક વખત હોસ્પિટલના સ્ટાફને પોરાનાશક કામગીરી માટે તાલીમ આપી છે આમ છતાં પોરા નીકળે છે.