બજરંગવાડી સર્કલ પાસેના બગીચામાં 10 વર્ષના બાળકને ટાપલી મારનારને ટપારતા ઇસમે પોતાના સાગરીતોને બોલાવી ભોમેશ્વર પ્લોટમાં રહેતા બે સગાભાઇ પર છરીથી હુમલો કરી ઉપર બાઇક ચડાવતા ઘવાયેલાં બંને ભાઇને હોસ્પિટલ ખસેડાયા હતા.
ભોમેશ્વરવાડીમાં રહેતા કોલેજિયનબંધુ સુમિતરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.19) અને વિશ્વરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.18) ગુરુવારે રાત્રે 8 વાગ્યે તેના મામાના 10 વર્ષના પુત્રને બજરંગવાડી સર્કલ પાસેના બગીચામાં ફરવા લઇ ગયા હતા, બાળક બગીચામાં ફરી રહ્યો હતો ત્યારે રેહાન નામના ઇસમે બાળકને ટાપલી મારતાં સુમિતરાજસિંહ અને તેના ભાઇ વિશ્વરાજસિંહે તેને ટપારતા માથાકૂટ થઇ હતી, રેહાને ફોન કરતાં સમીર સહિતનું ટોળું ધસી આવ્યું હતું, રેહાને સુમિતરાજને છરીના ઘા ઝીંક્યા હતા તેમજ તેના ભાઇને પણ માર મારી તેના પર બાઇક ચડાવ્યું હતું.
પુત્રો પર હુમલો થયાની જાણ થતાં મહેન્દ્રસિંહ પરમાર દોડી જતાં રેહાનના પરિવારના કોઇ સભ્યોએ તેમના પર પણ ઘાતક હથિયારથી હુમલાની કોશિશ કરી હતી, જેમાં મહેન્દ્રસિંહને પણ ઇજા થઇ હતી, હુમલામાં ઘવાયેલા સુમિતરાજસિંહ અને વિશ્વરાજસિંહને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી.