ગુજરાતમાં હાલમાં ઠંડીનો ચમકારો ઓછો થયો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડીને લઈ ફરી એક વખત આગાહી કરી છે. તેમની આગાહી મુજબ 24 તારીખ સુધી ગરમી પડશે અને 25 તારીખથી ગુજરાતમાં ફરી ઠંડી શરૂ થશે એટલે કે રાજ્યમાં ચાર દિવસ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરુ થશે. તદુપરાંત જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કોઈ-કોઈ ભાગમાં માવઠા થશે ને વાતાવરણમાં ફરી પલટો આવશે.
હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે, જેના કારણે હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. જોકે, જાન્યુઆરીના બાકી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે વાત કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે શિયાળો લાંબો ચાલશે. અંતિમ સપ્તાહમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે ગુજરાતમાં 21થી 30મી જાન્યુઆરી સુધીમાં હવામાનમાં ભારે પલટો આવશે અને ફરીથી માવઠાના એંધાણ સર્જાઈ રહ્યા છે. આગામી સાત દિવસ રાજ્યભરમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થવાની સંભાવનાઓ છે.