શહેરમાં પારકી જમીન કે મિલકત પચાવી પાડ્યા બાદ મોટી રકમ પડાવ્યાના અગાઉ અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે વધુ એક બનાવમાં ભાજપના આગેવાને મકાન પચાવી પાડયા બાદ મકાન પરત દેવા મોટી રકમની માંગણી કર્યાનો વિધવાએ વલોપાત કર્યો છે. એટલું જ નહીં, રાજકીય આગેવાન તેની વગને કારણે તંત્રે પણ મૌન સેવી લીધું હોય તેવો ઘાટ સર્જાયો છે. સહકાર મેઇન રોડ, પીપળિયા હોલ પાસે રહેતા જયાબેન બિપીનભાઇ હાપલિયા નામના વિધવાના જણાવ્યા મુજબ, કોરોનામાં પતિ બિપીનનું મૃત્યુ થયું હતું.
પોતે નિ:સંતાન હોય મરણમૂડી સમાન જમીન વહેચીને મોરબી રોડ પર આવેલા શિવધારા રેસિડેન્સી-2માં 100વારમાં બનાવેલું મકાન ખરીદ કર્યું હતું. આ સમયે ભાજપના આગેવાન તેમજ ખોડલધામના પૂર્વ કન્વિનર પરેશ ખોડા લીંબાસિયાને સબંધના નાતે ત્રણ વર્ષ પૂર્વે મકાન રહેવા માટે આપ્યું હતું. બે વર્ષ બાદ મકાનના દસ્તાવેજ પોતાના નામે થઇ જતા પોતે પરેશ લીંબાસિયા પાસે ગઇ હતી અને મકાન ખાલી કરી પરત આપી દેવાની વાત કરી હતી ત્યારે પરેશ લીંબાસિયાએ થોડા સમય બાદ મકાન ખાલી કરી આપવાનું કહ્યું હતુ.
તેમ છતા લાંબો સમય વિતવા છતા મકાન ખાલી કરી પરત નહીં કરતા પોતે ફરી પરેશ પાસે ગઇ હતી અને મકાન ખાલી કરી આપવાની વાત કરી હતી. ત્યારે પરેશ ઉશ્કેરાઇ ગયો હતો અને મકાન ખાલી નહિ કરૂ, તારે જે કરવું હોય તે કરી લે, પોલીસ, કલેક્ટર અમારા જ છે, અને જો મકાન જોઇતું હોય તો મને 80 લાખથી વધુ રકમ આપ તો મકાન ખાલી કરી આપવાનું કહ્યું હતુ. સમાજના સંગઠનમાં બની બેઠેલા અને પૂર્વ ડે.મેયર અશ્વિન મોલિયાના સાથીદાર પરેશ લીંબાસિયાએ મકાન પચાવી પાડતા પોલીસમાં રજૂઆત કરી હતી. પરંતુ રાજકીય વગ સામે કાયદાના રક્ષકનું ચાલ્યું ન હતુ.