અમેરિકામાં દારૂના સેવનથી અનેક પરિવારો વિખૂટા પડી રહ્યા છે. ત્યાં વર્ષ 2020માં દારૂના સેવનથી થનારાં મોતમાં 25 ટકાનો વધારો થયો છે. 2019માં દારૂને કારણે 78,927 લોકોનાં મોત થયાં હતાં. 2020માં તે આંક 99,017 સુધી પહોંચી ગયો હતો. મોટા ભાગનાં મોત દારૂના વધુ સેવનથી થયાં છે. હવે આ પ્રકારનાં મોત ચિંતાનું કારણ બન્યાં છે. તેને રોકવા માટે લોકો નવી નીતિ લાવવા તેમજ દારૂ પર ટેક્સ વધારવાની માંગ કરી રહ્યા છે.
જોકે તેનાથી અમેરિકન વહીવટીતંત્રને એક ફાયદો એ થયો છે કે 2021માં ટ્રેજરી વિભાગે વર્ષ 2020ની તુલનામાં 8% વધુ નફો મેળવ્યો હતો. વર્ષ 2021માં ઓરેગન રાજ્યમાં દારૂના સેવનથી 2153 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે એવાં રાજ્યોમાં સામેલ છે જ્યાં દારૂ પર લાગતો ટેક્સ 3 ટકાથી પણ ઓછો છે. મોતમાં વધારાનું એક કારણ એ પણ હતું કે રાજ્ય દ્વારા કોકટેલ ઘર પર મંગાવવાનો તેમજ હોટલથી બહાર લઇ જવા પર લગાડેલો પ્રતિબંધ પણ હટાવી દીધો હતો. તેનાથી વપરાશ વધી ગયો હતો.