ભારત હવે ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. આ જ દિશામાં હવે ભારતનો ઓટોમોબાઇલ ઉદ્યોગ આગામી 25 વર્ષમાં વાહનોના દરેક સેગમેન્ટમાં વૈશ્વિક સ્તરે ટોચના બે ઉત્પાદકોમાં સામેલ થવાનું લક્ષ્યાંક ધરાવે છે તેવું SIAMના પ્રેસિડેન્ટ કેનિચી અયુકાવાએ જણાવ્યું હતું.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના 62માં વાર્ષિક સત્રને સંબોધિત કરતા અયુકાવાએ જણાવ્યું હતું કે ભારત વર્ષ 2047 સુધી સમગ્ર મેન્યુફેક્ચરિંગની વેલ્યૂ ચેઇનમાં 100 ટકા આત્મનિર્ભર બનવા માટેનું લક્ષ્ય રાખે છે. ઓટો ઇન્ડસ્ટ્રીએ ભારત-100 કરીને એક દૂરંદેશી દર્શાવી છે. તે પ્રમાણે ભારતીય ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી વિશ્વમાં ઓટોમોબાઇલના દરેક સેગમેન્ટમાં ટોચના બે વિશાળ ઉત્પાદક બનવાની સિદ્વિ હાંસલ કરશે. તે ઉપરાંત ઇન્ડસ્ટ્રી આગામી 25 વર્ષમાં ક્લીન એનર્જી વ્હીકલ્સમાં પણ વર્ચસ્વ મેળવશે.
એનો અર્થ છે કે દરેક શક્ય ટેક્નોલોજી જેમ કે ઇલેક્ટ્રિક બેટરી, ઇથેનોલ, ફ્લેક્સ ફ્યુલ, બાયો-સીએનજી, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યને સિદ્વ કરવા માટે ઇન્ડસ્ટ્રીએ સ્પર્ધાત્મક યુગમાં વધુ સજ્જ રહેવું પડશે. તે ઉપરાંત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તે ઉપરાંત રોકાણ, ટેક્નોલોજી તેમજ ઉત્પાદનોના વિકાસ માટે શ્રેષ્ઠ યોજના ઘડવા માટે લાંબા ગાળાનો નિયમનકારી રોડમેપ મહત્વનો ભાગ ભજવશે.