બ્રિટન અને ભારત માટે ઐતિહાસિક તક છે. પહેલીવાર ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું છે. આશા અને પડકારોની લાંબી યાદી સુનક સામે છે. બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના લોકો માને છે કે સુનક સામે સૌથી મોટો પડકાર બ્રિટનની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. બ્રિટનમાં લોકો મોંઘવારીથી અકળાયા છે.
ભારતીય મૂળના લોકો કહે છે કે સુનકે લિઝ ટ્રસ સાથેના પીએમ પદના મુકાબલા દરમિયાન જે પ્લાન રજૂ કર્યો હતો તેને લાગુ કરવામાં આવે. સાથે જ ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(એફટીએ) લાગુ કરવામાં આવે.બ્રિટનના બ્રિસ્ટલ શહેરમાં રેસ્ટોરાં ચલાવતા સિદ્ધાર્થ શર્મા સુનકની ઈમિગ્રેશન પોલિસીને સમર્થન નથી આપતા. સિદ્ધાર્થ કહે છે કે બ્રિટનમાં આવતા પરિવાર ઈમિગ્રેશન પોલિસીને કારણે આજે શ્રેષ્ઠ સ્થિતિમાં પહોંચી રહ્યા છે.
ભારતીયોના બ્રિટનમાં આગમનનો માર્ગ સરળ બનાવવો જોઇએ. સિદ્ધાર્થ અનુસાર સુનક બ્રિટનમાં રહેતા મોટાભાગના ભારતીય મૂળના લોકોથી વધારે સારા આર્થિક બેકગ્રાઉન્ડથી આવે છે. તે પ્રાડાના શૂઝ પહેરે છે અને ફ્રી માર્કેટનું સમર્થન કરે છે.
નવી દિલ્હીથી બ્રિટન ગયેલા એક આઈટી એક્સપર્ટ કહે છે કે જો સામાન્ય પ્રજાએ વોટિંગ કર્યું હોત તો સુનક બ્રિટનના વડાપ્રધાન ન બની શક્યા હોત. તેમણે રેડિયો ટૉક શૉ પર એક કોલરને એમ કહેતા સાંભળ્યું કે જ્યારે બ્રિટનમાં મોટાભાગના લોકો શ્વેત છે તો સુનક કેવી રીતે વડાપ્રધાન બની શકે છે. સાથે જ એવી પણ આશા વ્યક્ત કરે છે કે સુનક પ્રોપર્ટી માર્કેટ અને અર્થતંત્ર પર કામ કરશે. તે કહે છે કે સુનકના માર્ગમાં અનેક પડકારો છે. તેમને એમપીનો સાથ નહીં મળે તો કોઈ પણ પોલિસી પર કામ આગળ નહીં વધારી શકે.