શહેરના રૈયા રોડ, શાંતિ નિકેતન એવન્યુમાં છેલ્લા નવ મહિનાથી પિયરમાં રહેતી શ્વેતા નામની પરિણીતાએ ટંકારા રહેતા પતિ મિરાજ શશીકાંતભાઇ કટારિયા, સાસુ નીતાબેન, જામનગર રહેતા નણંદ ભાવિનીબેન, તેના પતિ બિપીનભાઇ મશરૂ, નણંદ તૃપ્તિબેન, તેના પતિ રાજેશભાઇ મોદી, નણંદ જાગૃતિબેન, તેના પતિ હિતેનભાઇ તન્ના, નણંદ દિપાબેન, તેના પતિ સંદીપભાઇ વિઠ્ઠલાણી સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એમ.કોમ., એમ.જે.એમ.સી. સુધીનો અભ્યાસ કરનાર પરિણીતાની ફરિયાદ મુજબ, તેના લગ્ન તા.8-12-2020માં થયા હતા.
લગ્નના છ મહિના બાદ જ કરિયાવર મુદ્દે તેમજ પહેરામણીમાં પણ કંઇ સારા કપડાં આપ્યા નથીના મેણાં મારી દહેજની માગણી કરતા હતા. એટલું જ નહિ રસોઇ મુદ્દે પણ ત્રાસ આપતા હતા. ચારેય નણંદ પોતાના વિશે ખોટી વાતો કરી પતિને ચડામણી કરતા હતા. જેને કારણે પતિ અને સાસુ આ મુદ્દે ઝઘડો કરતા હતા. પતિ પણ પોતાની સાથે સરખી રીતે વાત કરતા નહિ. લગ્નના બે વર્ષ બાદ માવતર ગયા બાદ માતા-પિતાને વાત કરતા સાસરિયાઓને ઘરે બોલાવી સમાધાન કર્યું હતું. થોડા સમય પછી સાસુ પતિ પાસે રડીને તારી પત્ની મારી સાથે ઝઘડો કરે છે તેમ કહી પતિ સાથે ઝઘડો કરાવતા રહેતા હતા.
પતિ કહેતા કે તું ભણેલી ગણેલી અભણ છો, તને કપડાં પહેરવાની સેન્સ નથી, મને તારી સાથે બહાર જવામાં પણ શરમ આવે છે. હું તને છૂટાછેડા આપી દઇશ તેમ કહી ઝઘડા કરતા હતા. ત્યાર બાદ માતા-પિતાને ફરી વાત કર્યા બાદ પોતે સાસરે પરત ગઇ ન હતી. બાદમાં છૂટાછેડા માટે સાસરિયાંઓ સાથે બેઠક કરી હતી. જેમાં ફર્નિચરના પૈસા અને તમામ કરિયાવર પરત આપી દેવાની સમજૂતી સાથે તા.19-6-2023ના રોજ નોટરીથી છૂટાછેડા કર્યા હતા.