છેલ્લા 3-4 દિવસથી બિપરજોય વાવાઝોડાની દહેશતે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છવાસીઓની ઊંઘ ઉડાડી દીધી હતી. ગઇકાલે મોડી સાંજે 115-125 કિમીની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાએ જખૌમાં લેન્ડફોલ કરતા જ કચ્છ-ભુજ-માંડવીમાં ભારે તારાજી સર્જાઇ હતી. જામનગરના હાલારમાં 2થી 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે માત્ર સૌરાષ્ટ્રમાં જ 4048 વીજપોલ, 80થી વધુ વૃક્ષો એક જ દિવસમાં ધરાશાયી થઇ ગયા. 1092 ગામોમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની અસર વર્તાઇ. અહીં 36 કલાકમાં 515 વીજળીના થાંભલા પડી ગયા.
અબડાસા તાલુકાના નલિયા-ભુજ હાઇવે પર ભવાનીપર ગામ પાસે ભારે વરસાદમાં પુલ સહિત રસ્તો ધોવાઇ જતાં નલિયા સાથે જોડતો આ રસ્તો પરિવહન માટે બંધ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વાવાઝોડા જેવી કોઇ મોટી હોનારત કે ભારે વરસાદ ન હોવા છતાં આ પુલમાં એક તરફ ગાબડું પડતાં માર્ગ અવરોધાયો હતો.