Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ICCએ આ વખતે T-20 વર્લ્ડ કપની મેચો અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાડી છે. આમ જુઓ તો અમેરિકાને અને ક્રિકેટને સ્નાન સુતકનો પણ સંબંધ નથી એટલે અમેરિકામાં ક્રિકેટનો ક્રેઝ વધારવા આ વખતે આ આયોજન થયું. હા, એક સમયે અમેરિકામાં ક્રિકેટની બોલબાલા હતી. સમય પસાર થયો, બીજી રમતોનો ઉદય થયો તેમ અમેરિકામાંથી ક્રિકેટ વિસરાતું ગયું. પણ વીસમી સદીની શરૂઆતમાં ક્રિકેટ ક્લબો વચ્ચે લીગ મેચો રમાતી. એ વખતની લીગ મેચોમાં પોતાની બોલિંગથી તરખાટ મચાવતું નામ હતું, માણેકજી જમશેદજી ભુમગરાનું. એમ.જે.ભુમગરાથી એ ઓળખાય. આ પારસી ક્રિકેટરે અમેરિકાને ક્રિકેટનું ઘેલું લગાડ્યું, સ્ટાર ક્રિકેટર બની ગયા. આપણા બધા માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે, આ પારસી ક્રિકેટર મૂળ ગુજરાતી હતા અને સુરતના હતા.

1890ની સાલ છે. સુરતના બંદરગાહ પર મુંબઈ (એ સમયે બોમ્બે) જવા માટે શિપ ઊભું છે. ફ્રામજી ભુમગરા નામના સુરતના વેપારી જહાજમાં ચડે છે અને તેની સાથે 12 વર્ષનો પૌત્ર માણેકજી ભુમગરા પણ દાદાની આંગળી પકડીને જહાજમાં ચડે છે. માણેકજીના પિતા જમશેદજી પણ સાથે છે. શિપ મુંબઈ પહોંચે છે, ત્યાં ફ્રામજી ભુમગરા પોતાનો કલાત્મક વસ્તુઓનો વ્યવસાય વિકસાવે છે. તેમની કંપનીનું નામ છે-ભુમગરા એન્ડ કંપની. મુંબઈમાં પૌત્ર માણેકજી મોટો થઈ રહ્યો છે. પિતા જમશેદજીને ક્રિકેટનો શોખ છે તે માણેકજીને પણ આકર્ષી રહ્યો છે. આ પારસી પરિવાર કરોડોપતિ છે તેમને ભારત સુધી સિમિત નહોતું રહેવું. અત્યારે છે એટલી ફ્લાઈટ વિદેશ જતી નહીં ત્યારે ફ્રામજી ભુમગરાએ 1894માં લંડન અને ન્યૂયોર્કમાં આર્ટ કલેક્શનની બ્રાન્ચ ખોલી બિઝનેસ ડેવલપ કર્યો. દાદાને હતું કે પૌત્ર માણેકજી યુવાન થયો છે તો તે વિદેશની બ્રાન્ચનો વહીવટ સંભાળે. દાદાની ઈચ્છાથી માણેકજી ભુમગરા જહાજમાં મુંબઈથી ઈંગ્લેન્ડ જવા રવાના થાય છે. ત્યાં દસ વર્ષ રહીને 1904માં ન્યૂયોર્ક જાય છે. ન્યૂયોર્ક તરફ જઈ રહેલા માણેકજીને ખબર નહોતી કે આ આર્ટના બિઝનેસમેન એક મહાન ક્રિકેટર બનવાની સફર કરી રહ્યા છે.