ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા ભાવનગરના પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટની ઇન્ટરનેશનલ મેચ રેફરીની પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વમાં ટેસ્ટ મેચ રમી રહેલા 12 દેશોમાંથી ઇન્ટરનેશનલ મેચ રેફરીની નિમણૂંક કરવામાં આવે છે અને તેમાં ભારતના 4 રેફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટેજ ઉપર ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડના હસ્તે તેમને સન્માનિત કરાયા.
પ્રકાશ ભટ્ટ સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમના સુકાની રહી ચૂક્યા છે, 12 વર્ષની ખેલાડી તરીકેની કારકીર્દિ દરમિયાન તેઓ 51 રણજી, 38 લિસ્ટ-એ મેચ રમી ચૂક્યા છે. બીસીસીઆઇ દ્વારા પ્રકાશ ભટ્ટની મેચ રેફરી તરીકે નિમણૂંક વર્ષ 2008માં કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં તેઓએ 59 પ્રથમ શ્રેણી, 69 લિસ્ટ-એ, 128 ટી-20માં મેચ રેફરી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
ઉપરાંત વર્ષ 2018થી તેઓ આઇપીએલમાં પણ મેચ રેફરી તરીકે કાર્યરત છે અને અત્યારસુધીમાં 46 આઇપીએલ મેચોમાં ફરજ બજાવી છે. તાજેતરમાં ચીનમાં રમાઇ ગયેલા એશિયન ગેમ્સમાં વિમેન્સ ક્રિકેટમાં પણ મેચ રેફરી તરીકે સામેલ થયા હતા.