ચીનના યિનચુઆન શહેરમાં બુધવારે મોડી રાત્રે એક રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 31 લોકોનાં મોત થયા હતા. ચીની મીડિયા 'સિન્હુઆ' અનુસાર ગેસ લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો. 7 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે ભીડ જોવા મળી હતી. અહીં ડ્રેગન બોટ ફેસ્ટિવલની તૈયારીઓ ચાલી રહી હતી. યિનચુઆન શહેર 'નિંગજિયા' નામના સ્વાયત્ત પ્રાંતની રાજધાની છે. આ પ્રાંતની વસ્તી 68 લાખ છે. આમાંથી 36% લોકો મુસ્લિમ છે.
ચીની મીડિયા 'સિન્હુઆ'એ અકસ્માત બાદ કેટલીક તસવીરો જાહેર કરી છે. આગ ઓલવ્યા બાદ સ્થળ પર હાજર ફાયર વિભાગની ગાડીઓ નજરે પડે છે. અગ્નિશામકો પણ ઘાયલ લોકોને એમ્બ્યુલન્સમાં લઈ જતા જોવા મળે છે.
ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે પહેલા રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ પછી આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. જો કે ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
7 મહિના પહેલાં 15 માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી
ચીનના રહેણાંક વિસ્તાર અથવા ગીચ વસ્તીવાળા વિસ્તારમાં વિસ્ફોટ કે આગની આ પહેલી ઘટના નથી. 25 નવેમ્બર 2022ના રોજ શિનજિયાંગમાં એક બિલ્ડિંગના 15મા માળે આગ લાગી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર આગ ઇલેક્ટ્રિક સોકેટ એક્સટેન્શનના કારણે લાગી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નહોતી.