રાજકોટ ઈન્વેસ્ટિગેશન વિંગે બિલ્ડરોને ત્યાં હાથ ધરેલી સ્થળ તપાસ હજુ ગત સપ્તાહે પૂરી થઈ છે. તેવામાં ગુરુવારે વધુ એક સ્થળે સરવે હાથ ધરવામાં આવ્યો છે. ગોવામાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે સ્થાનિક હોટેલ- રિસોર્ટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેની તપાસ રાજકોટ સુધી લંબાઇ છે.રાજકોટમાં સ્પેરેક્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં આવકવેરા વિભાગની ટીમ પહોંચી હતી. આ કંપનીના સંચાલક બેંગ્લોરમાં રહે છે અને ત્યાંથી રાજકોટમાં કંપનીનું સંચાલન કરતા હોવાનું આવકવેરા વિભાગની ટીમે જણાવ્યું છે. સ્થળ પરથી સાહિત્ય વગેરેની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
તપાસ કરનાર અધિકારીઓના જણાવ્યા મુજબ કંપનીની ઓફિસ વિજય પ્લોટમાં આવેલ છે. સાહિત્ય, તેમજ આર્થિક વ્યવહારોની ચકાસણી કરીને રિપોર્ટ અમદાવાદ વડી કચેરીને મોકલવામાં આવશે. ગોવામાં હાથ ધરાયેલી તપાસનું કનેક્શન રાજકોટમાં નીકળતા અન્ય હોટેલ સંચાલકો,તેમજ રેસ્ટોરન્ટ અને ઈવેન્ટ કંપનીના સંચાલકો સતર્ક થઇ ગયા હતા. અત્યાર સુધીમાં પહેેલીવાર ઈવેન્ટ કંપની પર સરવે હાથ ધરવામાં આવ્યો છે.નોંધનીય છે કે, રાજકોટમાં સ્થાનિક બિલ્ડરોને ત્યાં સ્થળ તપાસ પૂરી થયા બાદ હવે સાહિત્યની ચકાસણી ચાલી રહી છે.