શહેર પોલીસે વધુ એક ઇસમને 7.120 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો, આ ઇસમ અગાઉ દુષ્કર્મના કેસમાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.શહેરના 150 ફૂટ રિંગ રોડ પર પાઠક સ્કૂલ પાછળ આવેલા આરએમસી આવાસ યોજના ક્વાટર્સમાં રહેતો અતીક સલિમ મેતર (ઉ.વ.30) માદક પદાર્થનું વેચાણ કરતો હોવાની તેમજ તે અમદાવાદથી ગાંજાનો જથ્થો લઇને આવ્યાની માહિતી મળતાં એસઓજીના પીઆઇ એસ.એમ.જાડેજા અને હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ અમરેલિયા સહિતની ટીમ દોડી ગઇ હતી, પોલીસ અતીક મેતરના ઘરે પહોંચી તો અતીક હાજર હતો, પોલીસે ઘરની તલાશી લીધી પરંતુ કંઇ શંકાસ્પદ મળ્યું નહોતું
માહિતી ચોક્કસ હોવાથી અતીકે કંઇક જાદુગરી કરી હશે તેવી દ્રઢ શંકાએ પોલીસે વધુ સતર્કતા દાખવી હતી અને મકાનના રૂમ રસોડાની લાદી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા એક લાદી અન્ય લાદી કરતાં થોડી અલગ અને ઊંચી દેખાતા પોલીસે તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, લાદી દૂર થતાં જ ચોરખાનું મળી આવ્યું હતું અને આ ચોરખાનામાંથી રૂ.71200ની કિંમતનો 7.120 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને મોબાઇલ સહિત કુલ રૂ.83 હજારનો મુદ્દામાલ જપ્ત કરી અતીકની ધરપકડ કરી હતી.