મવડી રોડ પરના વિશ્વનગર આવાસ ક્વાટર્સમાં પિતાના ઘરે રહેતી રિંકુબેન મનોજ ગોહેલે (ઉ.વ.25) તેના બે વર્ષના પુત્ર દેત્રોજને ઝેરી દવા પીવડાવી પોતે પણ વખ ઘોળી લેતા બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ઘટનાની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.
રિંકુબેને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોતે લાપાસરીમાં તેના પતિ મનોજ ગોહેલ અને બાળક સાથે રહે છે, લાપાસરીમાં પાડોશમાં રહેતી મુની રંગપરિયા કેટલાક દિવસથી મનોજ ગોહેલને ધમકાવતી હતી કે તેને મુનીની 14 વર્ષની પુત્રી સાથે પ્રેમસંબંધ છે અને આ મામલે પોલીસ ફરિયાદ કરી તેને ફસાવી દેશે, જો ફરિયાદ કરવી ન હોય તો રૂ.50 હજાર આપવા પડશે, મુની બ્લેકમેઇલ કરતી હોવાથી કંટાળીને ગુરૂવારે મનોજ દાનસંગ વાળાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, મનોજ હોસ્પિટલમાંથી નાસી જતાં મુની રંગપરિયા કોઇ અન્ય વ્યક્તિને લઇને રીંકુબેનના પિયર પહોંચ્યા હતા અને તારો પતિ હોસ્પિટલમાંથી ભાગી ગયો છે હવે તારે રૂ. 50 હજાર આપવા પડશે તેમ કહી ધમકાવતાં રીંકુબેને પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી, દવા પીતી વખતે રીંકુબેને તેનું વીડિયો શુટિંગ પણ કર્યું હતું.