આજી ડેમમાં ગુરુવારે ગમખ્વાર ઘટના બની છે. જેમાં ભાઇ-બહેનો સાથે ફરવા ગયેલી પિતરાઇ બહેનોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આજી ડેમ પાસે રવિવારી બજારના પારાની પાછળ આવેલા ડેમના પાણીમાં બે છોકરી ડૂબી ગઇ હોવાની ગુરુવારે સાંજે 5.45 વાગ્યે બેડીપરા ફાયર બ્રિગેડને રાજુભાઇ નામની વ્યક્તિએ ફોન કરી જાણ કરી હતી.
જાણ થતાની સાથે ફાયર બ્રિગેડનો રેસ્ક્યૂ સ્ટાફ આજી ડેમ દોડી ગયા હતા. ફાયર બ્રિગેડના તરવૈયાઓએ ડેમના પાણીમાંથી બંને છોકરીઓના મૃતદેહને શોધી બહાર કાંઠે લાવ્યા હતા. ડેમના પાણીમાંથી બહાર કાઢેલી બંને છોકરીઓને 108ની ટીમે તપાસતા બંનેનાં મોત નીપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.
પીએસઆઇ એમ.ડી. લોખીલે પરિવારની કરેલી પૂછપરછમાં 80 ફૂટ રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં રહેતા નેપાળી પરિવારના ચાર છોકરા અને ત્રણ છોકરી બપોરે બાદ આજી ડેમ ફરવા ગયા હતા. ત્યારે પાણીમાં નહાવા પડેલા સાત બાળકો પૈકી મમતા દિલબહાદુર પરિહાર (ઉ.વ.12) અને હીર દીપકભાઇ પરિહાર (ઉ.વ.14) ડૂબવા લાગી હતી. બે છોકરી અચાનક ડૂબવા લાગતા અન્ય બાળકોએ બૂમાબૂમ કરી હતી. ત્યારે રાજુભાઇ નામની વ્યક્તિએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. મોતને ભેટેલી મમતા અને હીર બંને પિતરાઇ બહેનો હતી.