અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023માં ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે સોમવારે 1996ની વર્લ્ડ ચેમ્પિયન શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું. અફઘાનિસ્તાને આ સિઝનમાં અત્યાર સુધીમાં 3 પૂર્વ ચેમ્પિયન ટીમોને હરાવી છે. આ પહેલા ટીમે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડને પણ હરાવ્યું હતું.
હવે અફઘાનિસ્તાનના 6 મેચમાં 6 પોઈન્ટ છે અને ટીમ સેમિફાઈનલની રેસમાં યથાવત છે. બીજી તરફ શ્રીલંકાની ટીમ આ હાર બાદ ટોપ-4ની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. તેના 6 મેચમાં માત્ર 4 પોઈન્ટ છે.
પુણેના મેદાનમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. શ્રીલંકાની ટીમ 49.3 ઓવરમાં 241 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં અફઘાનિસ્તાને 45.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લા ઓમરઝાઈ (73), રહમત શાહ (62 રન), કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી (58 રન) અને ઓપનર ઈબ્રાહિમ ઝદરાન (39 રન)એ મહત્વની ઈનિંગ્સ રમી હતી. આ પહેલા ફઝલહક ફારૂકીએ 4 અને મુજીબ ઉર રહેમાને 2 વિકેટ ઝડપી હતી.