રેલનગર મેઇન રોડ, સાંઇબાબા સોસાયટી-1માં રહેતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ મસીપ્રિય ક્રિશ્ચિયન નામના પ્રૌઢે તેના ઘરે મિત્રોને બોલાવી દારૂની મહેફિલ યોજી હોવાની પ્રદ્યુમ્નનગર પોલીસને માહિતી મળી હતી. પોલીસે રવિવારે રાતે દરોડો પાડી વિદેશી દારૂની મહેફિલ માણતા ચંદ્રકાંત ઉર્ફે ચંદુ ઉપરાંત ધર્મેન્દ્ર પ્રવીણ ભટ્ટી, નરેન ઉર્ફે લાલો અરૂણ ભટ્ટી, રવિ ચંદ્રકાંત ભટ્ટી, મનહર નીતિન ચૌહાણને દારૂનો નશો કરેલી હાલતમાં પકડી પાડ્યા હતા. દારૂની મહેફિલમાંથી વિદેશી દારૂની થોડી ભરેલી બોટલ તેમજ વેફર, વટાણા સહિતનો નાસ્તો મળી આવ્યો હતો.
પોલીસે તમામ વસ્તુઓ કબજે કરી પાંચેય સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જ્યારે નવા થોરાળામાં આવેલા વિનોદનગર-1માં રહેતા વિનય મોહન બથવાર નામના શખ્સને તેના ઘર નજીકથી વિદેશી દારૂના 80 ચપલા સાથે થોરાળા પોલીસે ઝડપી લીધો હતો. તેમજ મોરબી બાયપાસ રિંગ રોડ પરથી પોલીસે આઇસર ટ્રકને અટકાવી હતી.
આઇસરની તલાશી દરમિયાન અંદરથી વિદેશી દારૂની કુલ 59 બોટલ મળી આવી હતી. ચાલકની પૂછપરછ કરતા તે ગાંધીગ્રામ અક્ષરનગર મેઇન રોડ પર રહેતો મનસુખ ઉર્ફે મુન્નો કાનજી કંબોડિયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ રૂ. 6.42 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દાદરાનગર અને હવેલીનો વિદેશી દારૂ મનસુખ ક્યાંથી લઇ આવ્યો તે સહિતની વિગતો બહાર લાવવા પોલીસે પૂછપરછ હાથ ધરી છે.