હજયાત્રા માટે આ વર્ષે વિશ્વના 160 દેશોમાંથી 18 લાખથી વધુ લોકો સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા પહોંચ્યા છે. અહીં તાપમાનનો પારો 48 ડિગ્રી સેલ્સિયસને આંબી જતાં 2000થી વધુ લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા છે. ગુરુવારે 1700 બીમાર પડ્યા હતા. કોરોના બાદ લાગુ 65 વર્ષની વયમર્યાદાના નિયમને નાબૂદ થવાને કારણે આ વર્ષે મોટી સંખ્યામાં વૃદ્ધો પણ હજ યાત્રાએ પહોંચી રહ્યા છે.
સાઉદીના આરોગ્ય મંત્રાલય મુજબ મક્કામાં બનેલી હોસ્પિટલોમાં 8,400થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. પ્રશાસને લોકોને સૂર્યપ્રકાશથી બચવા અને વધુ ને વધુ પાણી પીવાની અપીલ કરી છે.
સાઉદી સરકાર દ્વારા હજયાત્રા દરમિયાન મૃત્યુઆંકની સત્તાવાર માહિતી જાહેર કરાઇ નથી પરંતુ દેશો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સૌથી વધુ 209 હજ યાત્રીઓ ઈન્ડોનેશિયામાં મૃત્યુ પામ્યા છે. તેમાંથી મોટા ભાગના લોકોનાં મૃત્યુનું કારણ હીટસ્ટ્રોક છે. ઈરાનના સૌથી વૃદ્ધ 114 વર્ષીય પ્રવાસીનું પણ મૃત્યુ થયું છે. આ સિવાય ઈરાનના 10 અન્ય લોકોના પણ હીટસ્ટ્રોકના કારણે મોત થયાં છે.
અલ્જિરિયાના 8, મોરોક્કોના 4 અને ઇજિપ્તના 8 લોકો હજયાત્રા દરમિયાન મૃત્યુ પામ્યા છે. ફિલિપાઈન્સના એક 78 વર્ષીય વ્યક્તિની મક્કાની એક હોસ્પિટલમાં ઓપન હાર્ટ સર્જરી કરાઇ છે. ઘણા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.લોકો પર પાણી વરસાવવા માટે ઓટોમેટિક કૂલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત ત્યાં આવતા લોકોને પાણીની બોટલો અને છત્રીઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય 32 હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.