રંગીલા રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી વિકૃત માનસિકતા ધરાવતા તત્ત્વો કુમળીવયની બાળકીઓને યેનકેન પ્રકારે લલચાવી, ફોસલાવીને દુષ્કૃત્ય, દુષ્કર્મ જેવા ગંભીર બનાવોને અંજામ આપી રહ્યાં છે. બે દિવસ પહેલાં જ બે સંતાનના પિતાએ તરુણીને ધરાર પ્રેમસંબંધ રાખવાનું દબાણ કરી અડપલાં કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ત્યાં વધુ એક બનાવમાં 58 વર્ષના વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે ચાર વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય આચરતા મામલો પોલીસમાં પહોંચ્યો છે.
યુનિવર્સિટી રોડ પરના વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય ચોકીદારની પત્નીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની 3 વર્ષ અને 11 મહિના અને 25 દિવસની પુત્રી સોમવારે સાંજે ઘર પાસે રમવા ગઇ હતી. લાંબો સમય પછી પણ પુત્રી રમીને પરત ઘરે નહિ આવતા શેરીમાં તેને બોલાવવા નીકળી હતી. પુત્રી નહિ દેખાતા પુત્રીના નામની બૂમો પાડી બોલાવતી હતી. આ સમયે માયાણી ચોક પાસે રહેતા અને શેરીમાં બેસ્ટ લોન્ડ્રી નામની દુકાન ધરાવતા ભીખા છગન વાજા તેની દુકાનમાંથી પેન્ટ સરખું કરતા કરતા બહાર આવ્યા હતા અને તેના પેન્ટની ચેઇન ખુલ્લી હતી. ભીખા વાજાની પાછળ જ પુત્રી પણ દુકાનમાંથી બહાર આવી હતી. ત્યારે ભીખા વાજાને મારી દીકરીને શા માટે દુકાનમાં બોલાવી હતી તેવું પૂછતા તેને તમારી દીકરીને ભાગ લેવા માટે પૈસા આપવા માટે દુકાનમાં બોલાવી હોવાનું જણાવ્યું હતું. પરંતુ ભીખા વાજાના કપડાંની સ્થિતિ જોતા કંઇ અજુગતું થયાની શંકાએ પુત્રીને લઇ પોતે ઘરે આવી હતી. બાદમાં પુત્રીને શું થયું તેવું પૂછતા તે શેરીમાં રમવા ગઇ ત્યારે દુકાનવાળા બાપાએ લોલીપોપ, ચોકલેટ આપવાનું કહીને દુકાનમાં લઇ ગયા હતા. દુકાનમાં ગયા પછી એ બાપાએ રૂ.5 આપ્યા હતા. અને તેના પેન્ટની ચેઇન ખોલી પાંચ વખત ન કરાવવાનું કરાવ્યાની વાત કરી હતી. પુત્રીની આવી વાત સાંભળી મહિલા સમસમી ગઇ હતી. બનાવની પતિને વાત કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ બી.પી.રજ્યાએ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદને પગલે પીએસઆઇ વી.એન.બોદરે તાત્કાલિક પૌત્રીની ઉંમરની બાળકી સાથે દુષ્કૃત્ય આચરનાર વૃદ્ધને સકંજામાં લીધો હતો. પૂછપરછમાં પોતે કંઇ કર્યું નહિ હોવાનું રટણ રટતા વિકૃત વૃદ્ધની ધરપકડ કરી હવસનું ભૂત ઉતાર્યુ હતું. આરોપી વૃદ્ધને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે. માત્ર ચાર વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય આચરનાર વૃદ્ધ સામે લોકોએ ફિટકાર વરસાવી છે.