વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રગતિ મેદાનનાં કન્વેન્શન સેન્ટરમાં મંત્રીમંડળના સાથીઓ સાથે યોજેલી બેઠક પાંચ કલાક ચાલી હતી. બેઠકમાં છેલ્લા ચાર વર્ષમાં વિવિધ મંત્રાલયની કામગીરીની વિસ્તૃત ચર્ચા થઇ હતી. લોકસભાની ચૂંટણી આડે એક વર્ષથી પણ ઓછો સમય રહ્યો છે ત્યારે સ્કિલ ડેવલપમેન્ટ, પંચાયતી રાજ, ગ્રામીણ વિકાસ, કૃષિ સહિત 16 મંત્રાલયની જન કલ્યાણ સાથે જોડાયેલી પેન્ડિંગ યોજનાઓને યુદ્ધનાં સ્તરે પૂર્ણ કરવા વડાપ્રધાને મંત્રીઓને સૂચના આપી હતી.
આ માટે તમામ મંત્રાલયોને વર્ષમાં કામનાં કેલેન્ડર બનાવવા માટે પણ કહેવાયું હતું. આ કામ નહીં થવા બદલ વડાપ્રધાને નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે પશુપતિ કુમાર પારસ અને હરદીપ પુરીને પણ કહ્યું કે, તેઓ શહેરી વિકાસનાં તમામ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરે. સૂત્રોના મતે, આ દરમિયાન વડાપ્રધાને મંત્રાલયમાં ફેરફારનાં સંકેત આપતા કહ્યું હતું કે, સરકારમાંથી કેટલાક લોકોને સંગઠનનાં કામ માટે મોકલાશે.
આગળ નવી જવાબદારી માટે પણ તમામે તૈયાર રહેવાની જરૂર છે. 20મી જુલાઇથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહ્યું છે, ત્યારે સંકેત મળી રહ્યા છે કે, ચોમાસુ સત્રથી પહેલાનો ગાળો કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર માટેની છેલ્લી તક હોઇ શકે. આ દરમિયાન વિવિધ મંત્રાલયની કામગીરીને લઇને વડાપ્રધાને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે હળવા અંદાજમાં કહ્યું હતું કે જનતાની સેવાનો સંકલ્પ હોય તો તેને પૂર્ણ કરવા માટે કોઇ પદની જરૂર નથી.