રશિયાએ શુક્રવારે યુક્રેન પર એક પછી એક 23 મિસાઈલોથી હુમલો કર્યો હતો. જેમાં અલગ-અલગ શહેરોમાં 3 બાળકો સહિત 16 લોકોનાં મોત થયા છે. અહેવાલો અનુસાર, ઉમાન શહેરમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મિસાઈલ ડિનિપ્રોમાં એક ઘર સાથે અથડાઈ, જેમાં 2 વર્ષની બાળકી અને તેની માતાનું મોત થયું. ત્યાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ મૃત્યુઆંક વધી શકે છે.
યુક્રેનની રાજધાની કિવ અને ક્રેમેન્ચુકમાં પણ બ્લાસ્ટ થયા છે. ઝેલેન્સકીએ જણાવ્યું કે 10 રહેણાંક ઇમારતો પણ રશિયન મિસાઇલના હુમલાની ઝપેટમાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે શૈતાનોને માત્ર હથિયારોથી રોકી શકાય છે, રશિયા પર પ્રતિબંધો વધારવો જોઈએ.
બીજી તરફ કિવ શહેરના સૈન્ય પ્રશાસન અનુસાર છેલ્લા 51 દિવસમાં યુક્રેનની રાજધાની પર આ પહેલો હુમલો છે.
હુમલાથી નાશ પામેલી ઇમારતમાં રહેતા એક વ્યક્તિએ રોઇટર્સને જણાવ્યું કે હુમલો એટલો જોરદાર હતો કે આસપાસની દરેક વસ્તુ ધ્રૂજવા લાગી, પછી અચાનક વિસ્ફોટ થયો. તે જ સમયે, અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે તેણે સવારે 4.30 વાગ્યે પહેલો વિસ્ફોટ સાંભળ્યો હતો.